ધનતેરસના દિવસે કરો આ વસ્તુઓની ખરીદી, થવા લાગશે ધનનો વરસાદ

ધનત્રયોદશી અથવા ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આસો માસના તેરસના દિવસે દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનની દૃષ્ટિએ ધનતેરસના દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

પૂજાની સાથે આ દિવસે સામાનની ખરીદીની પણ વિશેષ માન્યતા છે. ધનતેરસના દિવસે કરવામાં આવેલી ખરીદી તમારા ઘરમાં લક્ષ્મીજીના પ્રવેશ માટેના દરવાજા ખોલી શકે છે. ચાલો જાણીએ ધનતેરસના દિવસે કઈ વસ્તુઓની ખરીદી કરવી શુભ છે.

ધાતુ: દિવાળીના દિવસે ધાતુની ખરીદી કરવામાં આવે છે. તે દિવસે સોના- ચાંદીના ઘરેણાની ખરીદી કરવામાં આવે છે. સ્ટીલ, તાંબા અને પિત્તળના વાસણો ખરીદીને પણ તેમની પૂજા કરવામાં આવે છે. ધાતુની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

શ્રીયંત્ર: લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે શ્રી યંત્રની ખરીદીનું ઘણું મહત્વ માનવામાં આવે છે. તે દિવસે શ્રીયંત્ર ખરીદીને તેની પૂજા કરવી જોઈએ. દિવાળીના દિવસે શ્રી યંત્રની પણ પૂજા કરવામાં આવે છે.

સાવરણી: માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી લાભદાયક હોય છે. દેવી લક્ષ્મીજીને સ્વચ્છતા પ્રત્યે વિશેષ પ્રેમ છે. ગંદી જગ્યાઓથી દેવી લક્ષ્મીજી ભાગી જાય છે તેથી ધનતેરસના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તે દિવસે કરચલીવાળી સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થાય છે.

ધાણાના બીજ: ધાણાને સંપત્તિ સાથે સંકળાયેલ માનવામાં આવે છે. ઘણી જગ્યાએ ધાણાની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ધાણાની પૂજા કરીને તેને તિજોરીમાં રાખવાથી ધન ભંડાર ઓછો નથી થતો.

દીવા: દિવાળી અને ધનતેરસના દિવસે દીવાઓ પ્રગટાવવામાં આવે છે. ધનતેરસના દિવસે દીવા ખરીદવાનું વિશેષ મહત્વ છે. પ્રકાશ અને સકારાત્મકતાના પ્રતીકરૂપ દીવો ખરીદવાથી જીવનમાં ખુશીઓ આવે છે. લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.

ગોમતી ચક્ર: ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદવાનું વિશેષ મહત્વ છે. અગિયાર ગોમતી ચક્ર ખરીદવા શુભ માનવામાં આવે છે. ગોમતી ચક્ર ખરીદીને પીળા કપડામાં બાંધીને રાખવાથી તિજોરી ભરેલી રહે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)